ગઝલ - આદિલ મન્સૂરી
ગઝલ - આદિલ મન્સૂરી
નથી મળતા કોઈ નગરી નિવાસી
બધા બેઠા છે ઘરમાં દ્વાર વાસી
અચાનક જઈ પડ્યો પાણીમાં સૂરજ
બધા પડછાયા ઊભા મોં વકાસી
ક્ષણિક આનંદ પળભરનો અતિથિ
અને આ વેદના તો બારમાસી
ગલીની આંખ ઘેરાઈ રહી છે
અને બારીમાં ઊભી છે ઊદાસી
બધાયે દેવ તો પોઢી ગયા છે
હજી જાગી રહી છે દેવદાસી
ઊભા અવકાશ દ્વારે મૌન દિગ્મૂઢ
કશું બોલે ન અચરજના પ્રવાસી
સમંદરથી ય ના સંતોષ પામે
અરે આ માછલી છે કેવી પ્યાસી
જુઓ આવી ગયું સ્ટેશન તમારું
બધો સામાન લો જોઈ તપાસી
વતનથી દૂર જઈ બેઠા છો આદિલ
ગઝલ પણ સાથે સાથે બિન-નિવાસી
Posted on August 5th, 2007 by adil
Filed under: General
Leave a Reply