ગઝલ - આદિલ મન્સૂરી


ગઝલ  -  આદિલ મન્સૂરી

રાતદિવસ શબ્દને એવા લસોટ
કોઈ રીતે અર્થની લાગે ન ખોટ

બાર દરવાજા પરસ્પર પૂછતા
ક્યાં ગયો આ શહેરની ફરતેનો કોટ

નામ છ અક્ષરનું ઘૂંટાતું રહ્યું
છેક અમદાવાદથી તે રાજકોટ

અન્યને બ્રહ્માંડ આપો છો અને
અમને રોજેરોજનો આપો છો લોટ

રેલવે ને પ્લેન પણ સારાં છતાં
સાધુને ગમતી સવારી આગબોટ

જીંદગાનીના તમાશા જોઈને
હસતા હસતા થઈ જવાયું લોટપોટ

છેવટે આદિલ હવે મકતા લખો
ટૂંકો ને ટચ સાવ સીધો ને સચોટ

Leave a Reply