ગઝલ - આદિલ મન્સૂરી
ગઝલ - આદિલ મન્સૂરી
માથે નામનો ભાર લઈને ફરવાનું
અણગમતો અવતાર લઈને ફરવાનું
ઈચ્છા અપરંપાર લઈને ફરવાનું
સપનાની વણઝાર લઈને ફરવાનું
માટીના ઘોડા ઉપર અસવાર થઈ
લક્કડિયા તલવાર લઈને ફરવાનું
નીરવ સૂના લંબાતા આ રસ્તામાં
પગલાંનો આધાર લઈને ફરવાનું
રોજેરોજ નવા જીવનના સંગ્રામે
મૃત્યુનો પડકાર લઈને ફરવાનું
અવિશ્વાસમાં અટવાતા શ્વાસો વચ્ચે
ધરપત ધમધોકાર લઈને ફરવાનું
અડસટ્ટે જીવનની આ બાજી આદિલ
ને પાસા પોબાર લઈને ફરવાનું
Posted on August 5th, 2007 by adil
Filed under: General
Leave a Reply