ગઝલ – આદિલ મન્સૂરી

 ગઝલ  -  આદિલ મન્સૂરી

પેનથી લીટા કરે છે ભીંત પર
બાળ લીલા વિસ્તરે છે ભીંત પર

ભેંસ જેવું ચીતરે છે ભીંત પર
ચીતરામણ ભાંભરે છે ભીંત પર

બત્તીની પાસે પતંગા કૂદતા
ને ગરોળી પણ ફરે છે ભીંત પર

ખુલ્લી બારીમાંથી ફૂંકાતો પવન
કંપ કૈં કેલેન્ડરે છે ભીંત પર

કાચબરણીમાં સરકતી માછલી
એનો પડછાયો તરે છે ભીંત પર

પોપડા ઉખડી રહ્યા ભૂતકાળના
રંગ મોસમના ખરે છે  ભીંત પર

ચૂનાની જુની સફેદી સાથ લઈ
વીતેલા દિવસ સરે છે ભીંત પર

જેનાથી વસતી હતી આદિલ અહીં
ફ્રેમ થઈ લટક્યા કરે છે ભીંત પર

Leave a Reply