ગઝલ

ગઝલ - આદિલ મન્સૂરી

કહું છું ક્યાં કે આઘેરા કોઈ રસ્તા સુધી આવો
ઉઘાડો બારણું ને આંગણે તડકા સુધી આવો

જમાનો એને મુર્છા કે મરણ માને ભલે માને
હું બન્ને આંખ મીંચી દઉં તમે સપના સુધી આવો

તમારા નામના સાગરમાં ડૂબી તળીયે જઈ બેઠો
હું પરપોટો બની ઉપસું તમે કાંઠા સુધી આવો

જરૂરી લાગશે તો તે પછી ચર્ચા ય માંડીશું
હું કાશી ઘાટ પર આવું તને કાબા સુધી આવો

હું છેલ્લી વાર ખોબામાં ભરી લેવા કરું કોશિશ
અરે ઓ મૃગજળો આવો હવે તરસ્યા સુધી આવો

ગમે ત્યારે ગઝલ જીવનની પૂરી થઈ જશે આદિલ
રદીફ ને કાફિયા ઓળંગીને મકતા સુધી આવો

૨૬મી સપ્ટેમ્બર, ૨૦૦૬. ન્યુ જર્સી.

3 Responses to “ગઝલ”

  1. આદરણીય આદિલજી,
    તમારી નવી નવી ગઝલોનો ખજાનાની ચાવી તમે આટલી સરળતાથી અમને આપી દીધી…
    ખૂબ ખૂબ આભાર.

  2. એકદમ સાચી વાત જયશ્રી…
    ખરેખર લાગે છે કે ખજાનો મળી ગયો !!

    આ ગઝલ તો ખુબ જ ગમી!

  3. જરૂરી લાગશે તો તે પછી ચર્ચા ય માંડીશું
    હું કાશી ઘાટ પર આવું તને કાબા સુધી આવો

Leave a Reply