ગઝલ

ગઝલ - આદિલ મન્સૂરી

આ જીંદગીની એવી સફર રાખીએ છીએ
કે ઊંટ ઊપર આખ્ખું યે ઘર રાખીએ છીએ

માથે કફન ને પગમાં કબર રાખીએ છીએ
છેલ્લો ઊતારો ક્યાં છે ખબર રાખીએ છીએ

જીવનની દોડધામમાં ભૂલ્યા નથી તને
તારો ખયાલ આઠે પ્રહર રાખીએ છીએ

તારા સિવાય અન્ય બીજું કોઈ પણ નથી્
એવો ભરોસો તારા ઉપર રાખીએ છીએ

નીચે તળેટીમાંના આ ખાડે પડ્યા પડ્યા
દષ્ટિમાં સૌથી ઊંચુ શિખર રાખીએ છીએ

અમને ખબર છે ત્યાં નહીં પહોંચી શકાય પણ
ત્યાં પહોંચવાના પંથે નજર રાખીએ છીએ

ક્યારેક ઊતરી જાય છે પથ્થર હ્દય સુધી
થોડી ઘણી શબદમાં અસર રાખીએ છીએ

એને ભલે કળામાં કોઈ સ્થાન ના મળે
આદિલ અમે ન ગણ્ય હુનર રાખીએ છીએ

3 Responses to “ગઝલ”

  1. માથે કફન ને પગમાં કબર રાખીએ છીએ
    છેલ્લો ઊતારો ક્યાં છે ખબર રાખીએ છીએ

    વાહ !!!

  2. સુંદર ગઝલ… આપનો આ બ્લૉગ સતત સક્રિય રહેશે તો ગુજરાતી નેટ-જગત માટે અત્યાર સુધીની સૌથી મોટી ઉપલબ્ધિ બની રહેશે.

  3. ક્યારેક ઊતરી જાય છે પથ્થર હ્દય સુધી
    થોડી ઘણી શબદમાં અસર રાખીએ છીએ

    માથે કફન ને પગમાં કબર રાખીએ છીએ
    છેલ્લો ઊતારો ક્યાં છે ખબર રાખીએ છીએ

    vah..vah…va…va…va

Leave a Reply