ગઝલ
ગઝલ - આદિલ મન્સૂરી
માછલીની આંખમાં ઘનઘોર દરિયો ઘૂઘવે
ફીણ થઈ પથરાયલો આખ્ખો ય કાંઠો ઘૂઘવે
સૂર્યોદયને વાર છે મોંસૂઝણાંને વાર છે
પંખીઓના વનમઢ્યા કલરવથી વૃક્ષો ઘૂઘવે
ફૂલ ઝાકળ રંગ ખુશ્બૂ કંઈ નથી બાકી હવે
ડાળ પર ખાલી પડેલો એક માળો ઘૂઘવે
અરધી રાતે કોટ ઠેકી એ ધસી આવે કદાચ
રાતની દીવાલ પાછળ એમ તડકો ઘૂઘવે
સૌ ઉતારા ક્યારના સૂરજમાં શોષાઈ ગયા
ને પ્રવાસીના પગોમાં ધૂળ રસ્તો ઘૂઘવે
કાન સૌ મંડાયેલા છે એના અંતિમ શ્વાસ પર
અરધો પરધો શબ્દ કાગળ પર અટૂલો ઘૂઘવે
મોં ને આંખો બેઉ ખુલ્લા રહી ગયા આશ્ચર્યથી
કંઠે આદિલ મૌન થઈને એક ડૂમો ઘૂઘવે
૬ઠ્ઠી ઑક્ટોબર, ૨૦૦૬. ન્યુયૉર્ક.
Posted on November 22nd, 2006 by adil
Filed under: Gujarati
અહીં પણ અક્ષરો ઓવરલેપ થાય છે.